21મી સદીમાં ગુજરાતી ભાષાનો વિકાસ

કોઈપણ ભાષા એ વહેતી નદી જેવી હોય છે, જેના વહેણમાં તેને બોલનારી જનસંખ્યાનો વૈચારિક સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય મિજાજ અને જે-તે સમયકાળનો વારસો પ્રતિબિંબિત થાય છે. વિશ્વમાં 6.5 કરોડથી વધુ લોકો ગુજરાતી ભાષા બોલે છે. સદીઓથી ગુજરાતી ભાષી સમાજ ઉદ્યોગસાહસિકતામાં અગ્રેસર રહીને વિશ્વની વિવિધ સંસ્કૃતિઓ સાથે વ્યાવસાયિક સંબંધો ધરાવતો રહ્યો છે. આ વ્યાપારિક, વાણિજ્યલક્ષી અને વ્યાવહારિક આદાનપ્રદાનને કારણે, બોલાતી અને લખાતી ગુજરાતી ભાષા સતત પરિવર્તનશીલ રહી છે અને તેનો શબ્દભંડાર સમૃદ્ધ થતો રહ્યો છે. લગભગ 900 વર્ષ કરતાં પણ વધુ સમયથી બોલાતી, લખાતી ગુજરાતી ભાષામાં વિવિધ ભારતીય ભાષાઓના શબ્દો ઉપરાંત તુર્ક, ફારસી, અરબી, પોર્ટુગીઝ અને અંગ્રેજી જેવી વિદેશી ભાષાઓના અને ઇસ્લામ, જૈન, મરાઠી, હિન્દી સમુદાયોના શબ્દો પણ દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે. જેને કારણે ગુજરાતી ભાષાની આગવી સુંદરતા અને અનન્ય અભિવ્યક્તિ રચાઈ છે.

21મી સદીમાં ગુજરાતીને અસર કરનારા પરિબળો

આ સદીના પ્રથમ બે દાયકામાં કોમ્યુનિકેશન ટૅક્નૉલૉજીમાં આવેલા અત્યંત ઝડપી અને ધરખમ પરિવર્તનો, દક્ષિણ ભારતીય ભાષાઓની ફિલ્મોનું હિન્દીમાં ડબિંગ, મોબાઇલ અને ઇન્ટરનેટનો વિકાસ અને વ્યાપની સમગ્ર વિશ્વ પર સામાજિક અને સાંસ્કૃતિક અસરો પડી છે. વર્ષ 2000થી 2009 સુધીના દાયકાને ધ્યાનમાં લઈએ તો ઇન્ટરનેટની ઉપલબ્ધિ મોટેભાગે કમ્પ્યુટર સુધી જ મર્યાદિત હતી. આમ છતાં, તેનાથી અંગ્રેજી જાણતા ગુજરાતીઓ માટે સમગ્ર વિશ્વના જ્ઞાન અને માહિતીનો ભંડાર ખુલ્યો. જેનાથી ધીમે ધીમે એ જ્ઞાન જનસંચારના માધ્યમો દ્વારા સમગ્ર ગુજરાતના છેવાડાના ગામો અને વિવિધ વર્ગના લોકો સુધી પહોંચ્યું. જેને કારણે ભાષામાં ટૅક્નૉલૉજીના શિક્ષણ, ઉપયોગ અને કોમ્યુનિકેશન માટે અંગ્રેજી શબ્દોનું ચલણ અગાઉના દશકોની સરખામણીએ ઝડપી અને વ્યાપક રીતે વધ્યું. 

એ સમયના મોબાઇલમાં ગુજરાતી ભાષા ન લખી શકવાની મર્યાદા સાથે અનુકૂલન સાધવા સહુએ અંગ્રેજી લિપિમાં ગુજરાતી ભાષાના SMS લખવાની આવડત કેળવી લીધી. તેની એક અસર એવી પણ પડી કે ટૂંકું લખવા માટે ગુજરાતીના ‘છે’ શબ્દને અંગ્રેજીમાં ‘Chhe’ને બદલે ‘Che’ લખાતા અને સમજી પણ લેવાતા. એ સમયે ઓરકૂટ જેવા કોમ્યુનિટી પ્લેટફોર્મને કારણે ગુજરાતી વિચારો, અભિવ્યક્તિ, ભાષા અને સાહિત્યને ડિજિટલ સ્વરૂપ પ્રાપ્ત થયું. જોકે, ટૅક્નૉલૉજીની મર્યાદા એ પણ હતી કે Orkutના એ લખાણને કાગળ પ્રિન્ટ કરવામાં ફોન્ટ ઉપલબ્ધ ન હોવા જેવી સમસ્યાઓ પણ નડતી હતી.

વૈશ્વિક પરિબળો અને ટૅક્નૉલૉજીની ભાષા પર અસર

વધુમાં  મનોરંજન ક્ષેત્રે ટીવીએ વિશ્વને ઘરમાં લાવી દીધું હોવાથી ઘરનો ‘દિવાનખંડ’ કે ‘બેઠક’ હવે ‘ડ્રોઇંગ રૂમ’ બની ગયો. હવે આપણે ‘મિત્રો’ ને બદલે ‘ફ્રેન્ડ્સ’ શબ્દ સહજતાથી અને વધારે વાપરીએ છીએ. હવે પોરંબદર જેવા નાના શહેરમાં પણ અમેરિકાની પિત્ઝા બ્રાન્ડ Domino’sનું આઉટલેટ જોવા મળે, ત્યારે એ ‘પિત્ઝા’ શબ્દ ‘પિજા’ કે ‘પિઝા’ બનીને અને એવી જ રીતે બર્ગર, હોટડોગ, સેન્ડવિચ, પાસ્તા, નૂડલ્સ, ફ્રેન્ચ ફ્રાઇઝ જેવી વાનગીઓ રોજિંદી વ્યવસ્થાનો ભાગ બની ચૂકી છે અને એ શબ્દો પણ.

જોકે 21મી સદીના પ્રથમ દશક કરતાં પણ સૌથી વધુ ઝડપી પરિવર્તનો બીજા દાયકામાં એટલે કે વર્ષ 2010થી 2019 દરમિયાન જોવા મળ્યાં છે. WhatsApp જેવી મેસેજિંગ સર્વિસ અને Instagram, Facebook, TikTok અને YouTube જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, Netflix, Amazon Prime Video જેવા વેબ આધારિત મનોરંજન માધ્યમોની પહોંચ સ્માર્ટ મોબાઈલ ફોનના વધેલા વ્યાપ અને લગભગ મફત કહી શકાય તેવી કિંમતમાં ઉપલબ્ધ બનેલી ઇન્ટરનેટની સુવિધાને કારણે રાજ્યના છેવાડા સુધી વિસ્તરી છે. ગુજરાતી ભાષા પર તેની અસર બે બાજુથી થઈ છે. સદીના પ્રથમ દાયકામાં બધી જ માહિતી વિશ્વમાંથી ગુજરાતના વિવિધ સમાજોમાં પહોંચતી હતી, પણ ગુજરાતના વિવિધ પ્રદેશની સ્થાનિક બોલીઓ અને સાંસ્કૃતિક સંદર્ભો વિશ્વ સુધી નહોતા પહોંચી શક્યા. પરંતુ બીજા દાયકામાં એ શક્ય બન્યું છે.

હવે પ્રાદેશિક લઢણ અને લહેકાવાળી ગુજરાતી ભાષાના ‘Memes’ કે સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં વીડિયોએ જે-તે બોલીના સંદર્ભો અને અભિવ્યક્તિઓને બહોળા સમાજ સુધી પહોંચાડ્યા છે. સાથે સાથે ફિલ્મો, વેબસીરિઝ અને વાઇરલ વીડિયો જેવા માધ્યમોથી દેશ-વિદેશના રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ઘટનાક્રમોની અસર ગુજરાતી સમાજ પર થવાથી ગુજરાતી ભાષામાં પણ એની અસર દેખાઈ રહી છે. જેમકે, થોડા સમય પહેલાં ઇન્ટરનેટ પર વાઇરલ થયેલા વીડિયો – “રસોડે મેં કૌન થા? મૈં થી? તુમ થી? કૌન થા? રાશીબેન થી.”માં ‘રસોડા’ અને ‘બેન’ જેવા ગુજરાતી શબ્દોનો હિન્દી ભાષા પર પ્રભાવ જોઈ શકાય છે.

અભિવ્યક્તિમાં ભળતી ભાષાકીય અશુદ્ધિઓનો પડકાર

વધુમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય પ્રદેશોની બોલીની અસર મુખ્ય પ્રવાહની ગુજરાતી ભાષામાં વોટ્સએપ જેવા માધ્યમોથી થતાં સંવાદોને કારણે પ્રચલિત બની છે, જેમાં ભાષાની અશુદ્ધિ ભળેલી જણાય છે. જેમકે, ‘ભેંસને શિંગડા હોય છે.’ આ વાક્યમાં ગુજરાતના અન્ય પ્રાદેશિક પ્રભાવને કારણે હવે ‘ભેંસને શિંગડા ‘હોઈ’ છે.’ લખાય છે. તેનું અન્ય ઉદાહરણ ‘અમે જઈએ છીએ’ જેવા વાક્યોમાં ‘છીએ’ ને સ્થાને ‘છે’ લખાય છે. જે બોલવામાં કે લખવામાં સાચું નથી. 

સમાચાર અને મનોરંજન માધ્યમોના પ્રભાવ અને ટૅક્નૉલૉજીમાં એ ભાષાના શબ્દો લખવાની ભૂલભરેલી પદ્ધતિને કારણે પણ ભાષામાં અશુદ્ધિઓ ભળેલી જોવા મળે છે. જેમકે, સ્થાનિક ગુજરાતી જાહેરાતો અને લખાણોમાં ‘દ્વારા’ શબ્દ માટે ‘દ્રારા’ લખાયેલું જોવા મળે છે. તેની પાછળ ડિજિટલ કીબોર્ડનો યોગ્ય ઉપયોગ ખબર ન હોય તેમ બને. આ ઉપરાંત ગુજરાતી ભાષાની ટીવી ચેનલોની સંખ્યા અને તેમના દર્શકો વધ્યા છે. પરંતુ, તે ચેનલો પર રજૂ થતા સમાચારોમાં દુઃખદ કહી શકાય તેવી ભાષાકીય ભૂલો જોવા મળે છે. 

FM રેડિયોના  RJs, TV એન્કર્સની રજૂઆતની ભાષામાં હિન્દી ફિલ્મો, સાંપ્રત વૈશ્વિક પ્રવાહોમાં વપરાતા અંગ્રેજી શબ્દોનો અતિરેક જોવા મળે છે. આ બાબત ગુજરાતી ભાષાની સમૃદ્ધિમાં ઉમેરો કરવાને બદલે ગુજરાતી અભિવ્યક્તિને એક એવી ભેળપુરી બનાવી દે છે, જે પોષણને બદલે ચટાકેદાર સ્વાદ અને એસિડિટી, અપચો જેવી બીમારીઓ આપી શકે છે. ગુજરાતીમાં યોગ્ય અને પૂરતા શબ્દો હોવા છતાં, એ શબ્દોથી અજાણ સમાચાર વાચકો કે સમાચારની સ્ક્રિપ્ટ લેખકો અન્ય ભાષાના શબ્દોનો છૂટથી ઉપયોગ કરે છે. જે આપણી ભાષામાં અન્ય ભાષાના પ્રભાવને સ્થાને જે-તે શબ્દોનો અભાવ હોવાની છાપ ઊભી કરે છે.

શિક્ષણ અને ગુજરાતી ભાષા

શિક્ષણના બદલાતા પ્રવાહોએ પણ ગુજરાતી ભાષાને અસર કરી છે. હાલ બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો ઝોક છે, તેને કારણે એ ગુજરાતી પરિવારોના બાળકોનો શિક્ષણ પ્રક્રિયામાં તેમની મૂળ ગુજરાતી ભાષા સાથેનો સંપર્ક માત્ર એક વિષય પૂરતો જ મર્યાદિત બની જાય છે. આ ઉપરાંત વિચારપ્રેરક બાબત એ પણ છે કે, વર્ષો સુધી ભગવદ્ ગોમંડળ જેવા શબ્દકોષથી સમૃદ્ધ બનેલી ગુજરાતી ભાષામાં, હવે વર્તમાનમાં અન્ય ભાષાઓના શબ્દોનો પ્રભાવ ચકાસવાની, અને તેમને ગુજરાતી ભાષાના શબ્દકોષમાં સામેલ કરવાની પ્રક્રિયા ક્યાંય પણ થતી જોવા નથી મળતી.

વૈચારિક અભિવ્યક્તિ માટે ભાષા અને ટૅક્નૉલૉજીનો અસરકારક ઉપયોગ 

જો ટૅક્નૉલૉજી ભાષા પર નકારાત્મક જણાય તેવી અસર કરતી હોય તો સામે સારી સુવિધાઓ પણ આપે છે. હવે જ્યારે એન્ડ્રોઇડ મોબાઇલમાં Google કીબોર્ડ ઉપયોગમાં લેવાય ત્યારે ટાઇપ કરવાને બદલે વૉઇસ ટાઇપિંગનો ઉપયોગ કરીને પણ ગુજરાતી અને અન્ય કોઈ પણ ભાષામાં લખી શકાય છે. આમ કરવાથી જે શબ્દો લખાય છે, તેમાં એ ભાષાના ડિજિટલ શબ્દભંડોળમાં સાચી જોડણીમાં જ શબ્દો હોવાથી લખાણમાં જોડણીની ભૂલો ઓછી થાય છે.

બદલાતા સામાજિક અને વૈશ્વિક પરિબળોને કારણે ભાષામાં નવા શબ્દોનો સમાવેશ થાય એ સ્વાભાવિક છે. આ બાબતનું તાદૃશ્ય ઉદાહરણ છે, વર્ષ 2020માં સમગ્ર વિશ્વને બાનમાં લેનારી કોવિડ-19ની મહામારી. કોવિડને કારણે સામાજિક અંતરને બદલે ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’, ‘ક્વૉરેન્ટિન’ અને ‘બે ગજની દૂરી’ ‘માસ્ક’ જેવા શબ્દો ગુજરાતી બોલચાલ અને કોમ્યુનિકેશનની ભાષામાં સહજતાથી સામેલ થયા છે.

ગુજરાતી સંસ્કૃતિનું વૈશ્વિક સ્તરે ટૅક્નૉલૉજી દ્વારા પ્રતિનિધિત્વ

આ લેખની શરૂઆતમાં જ કહ્યું છે તેમ ભાષા એ વહેતી નદી જેવી છે, અને તેમાં જે-તે પ્રદેશ, સમયકાળ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ દેખાય છે. આપણે માત્ર એ સુનિશ્ચિત કરવાનું છે કે એ વહેતી નદીમાં આધુનિકતાના ઓઠા હેઠળ અશુદ્ધિઓ ન આવે. સાથે-સાથે અન્ય ભાષાઓના શબ્દો યોગ્ય પ્રકારે આપણા શબ્દભંડોળમાં ઉમેરાતા રહે, જેથી આપણી ગુજરાતી ભાષાનો વૈભવ સતત સમૃદ્ધ બનતો રહે. વિશ્વ જ્યારે વર્ચ્યુઅલ રિયાલિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ દોટ મૂકી રહ્યું છે, ત્યારે આ ભાવિ ટૅક્નૉલૉજીમાં પણ આપણે ગુજરાતી ભાષાની અભિવ્યક્તિ, તેની સુંદરતા અને તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને અસરકારક રીતે જાળવવી જરૂરી છે.

    Leave a Reply

    Your email address will not be published.